જુલાઈ 06, 2020

जाने यह कौन मेरी रूह को छूकर ग़ुज़रा....





ફિલ્મી ગીતોનું બેવડું પરિમાણ હોય છે. એક પરિમાણમાં એ જે તે ફિલ્મ અને તેની વાર્તા સાથે સંકળાયેલા હોય છે તો બીજા પરિમાણમાં એ ગીત, ફિલ્મથી અલગ જ રીતે આપણા દિલોદિમાગમાં સ્થાન જમાવી લે છે. આવા કેટલાક ગમતા ગીતો વિશે, એમના ગાયક, ગીતકાર, સંગીતકાર વિશે અહીં વાત કરીશું.

   
 ***********************
 
जाने यह कौन मेरी रूह को छूकर ग़ुज़रा....
 
સૌ જાણે છે તેમ, આ જગતમાં સફળ થવા માટે કાબેલિયતની જેટલી જરૂર છે એટલી જ જરૂર તકદીરની પણ છે. ક્યારેક તકદીરનો એવો અજબ ખેલ રચાય છે કે આખી જિંદગી મહેનત કરવા છતાં અહીં કોઈ વ્યક્તિ ધારેલા પડાવ પર પહોંચી શકતી નથી તો ક્યારેક તકદીર કોઈની ઝોળીમાં અનાયાસે જ એવી ભેટ નાખી દે છે કે  પલકવારમાં એ ખુશકિસ્મત સફળતાની એક અચલ ઊંચાઈએ પહોંચી જાય છે કે જયાંથી કદાચ તે આગળ ન વધી શકે તો પણ, તેમનું એ સ્થાન અવિચળ રહે છે.  

આજે આવા જ એક તારલા વિશે વાત કરવી છે, જેમનું નામ આજની પેઢી માટે કદાચ અજાણ્યું હશે પરંતુ એમણે ગાયેલા બે  ગીત થકી એમની ઓળખ ફિલ્મસંગીતના ઇતિહાસમાં ગણનાપાત્ર સ્થાન ધરાવે છે. દિલના અતલ ઊંડાણથી ગવાયેલા એ બંને ગીત આજે પણ સાંભળનારના હ્ર્દયમાં સોંસરવા ઉતરી જઈને ક્યારેય ન ભૂંસાય એવી અમીટ છાપ છોડી જાય છે. ફિલ્મ સંગીતના ઇતિહાસમાં સૌથી  અનોખા, અત્યંત આત્મીય અને અનમોલ સ્વરના માલિક એવા કબ્બન મિર્ઝા સાહેબની આ વાત છે.

કબ્બન મિર્ઝા... એમના વિશે વાત કરતા જ કમાલ અમરોહી સાહેબની મહત્વાકાંક્ષી ફિલ્મ રઝિયા સુલતાનનું નામ યાદ આવે. 1983માં રજૂ થયેલી આ ફિલ્મ જેટલી એની પટકથા, સંવાદ અને દિગ્દર્શન માટે જાણીતી હતી એટલી જ સુખ્યાત એના સંગીત માટે પણ હતી. એમાંયે ખય્યામ સાહેબના સંગીત નિર્દેશનમાં આ ફિલ્મના બે ગીતો 'આઈ ઝંઝીર કી ઝંકાર.. ખુદા ખૈર કરે...' (ગીતકાર જાંનિસાર અખ્તર) અને 'તેરા હિજ્ર હી મેરા નસીબ હૈ...'(ગીતકાર નિદા ફાઝલી) માં કબ્બન મિર્ઝા સાહેબનો ઘેરો રૂઆબદાર કડક સ્વર આજે પણ કાનમાં ગૂંજે છે. 

1936માં નવાબોના શહેર લખનૌના બાગ શેરગંજ વિસ્તારમાં જન્મેલા કબ્બન મિર્ઝા સીદી પરિવારનું ફરજંદ હતા. કહેવાય છે કે, નવાબોના સમયમાં આફ્રિકન મૂળના જે લોકો ગુલામ તરીકે લખનૌમાં લાવવામાં આવ્યા એ પછીથી ત્યાં જ વસી ગયેલા. મુસ્લિમ બહુમતી વાળા આ શહેરમાં મોહરમનો માતમ આ સીદી કોમના લોકો દ્વારા ગવાયેલા મરશિયા વિના અધૂરો ગણાતો. કબ્બન મિર્ઝા પણ નાનપણથી જ મરશિયા ગાતા શીખી ગયેલા. એ વાત અલગ છે કે એમના રણકદાર અવાજનો જાદૂ એમને રેડિયો સુધી લઈ આવ્યો. વિવિધ ભારતી પર વર્ષો સુધી પ્રોગ્રામ આસિસ્ટન્ટની કામગીરી બજાવનાર કબ્બન મિર્ઝા હવામહલ, સંગીત સરિતા અને  છાયાગીત જેવા સદાબહાર કાર્યક્રમો સાથે શરૂઆતથી જ જોડાયેલા રહ્યાં એટલું જ નહીં, આ કાર્યક્રમોની લોકપ્રિયતામાં કબ્બન મિર્ઝાનો અગ્રીમ ફાળો હતો. ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા એંસીના દશકના અંતભાગમાં રેડિયો પરથી રીટાયર્ડ થયા બાદ મુંબઈ નજીકના ઉપનગર મુંબ્રામાં વસવાટ કરતા કબ્બન મિર્ઝા સાથે તકદીર કેવો ખેલ ખેલવાની હતી એ ક્યાં કોઈને ખબર હતી. 

કમાલ અમરોહી દિલ્હીની ગાદી પર તેરમી સદીમાં શાસન કરનારી એકમાત્ર મહિલા શાસક રઝિયા સુલતાનના જીવન કવન પર આધારિત ફિલ્મનું નિર્માણ કરી રહ્યાં હતા. ગુલામ વંશના સિપાહી યાકૂત અને દિલ્હીની સુલતાન વચ્ચેના પ્રેમસંબંધની પાર્શ્વભૂમિકા ધરાવતી આ ફિલ્મમાં ગુલામના પાત્ર માટે પરંપરાગત કરતા કૈક અલગ પ્રકારનો અવાજ ધરાવતા ગાયકની જરૂર હતી. સંગીતની કોઈ સૂઝબૂઝ વિના ફક્ત પોતાના નિજાનંદ માટે ક્યારેક ક્યારેક ગાઈ નાખતા યાકૂતના પાત્ર માટે, ચોકસાઈના અત્યંત આગ્રહી એવા કમાલ અમરોહીએ પચાસથી પણ વધુ લોકોને ઓડિશન માટે બોલાવેલા. ફિલ્મના સંગીતકાર ખય્યામ સાહેબે આ બધા અવાજની પરીક્ષા કરી જોઈ. પણ એક પણ અવાજમાં એ રુહાની કશીશ જોવા ન મળી. પરંપરાગત ગાયક ન હોય છતાં જેનો ઘેરો, પૌરુષી અને નિજાનંદથી છલકતો અનોખો અવાજ હોય એવા અવાજના માલિકની શોધ આખરે કબ્બન મિર્ઝામાં પૂરી થઈ. 

રેડિયો પર પોતાની આગવી ઓળખ બનાવી ચૂકેલા કબ્બન મિર્ઝા મોહરમમાં મરશિયા અને નૌહા ગાવા માટે પણ જાણીતા હતા.કોઈએ કમાલ અમરોહીને મિર્ઝાનું નામ સૂચવ્યું. ઓડિશન આપવા માટે આવેલા કબ્બન મિર્ઝા માટે જો કે દિલ્હી હજુ દૂર હતું. પોતે  અગાઉ ક્યારેય પરંપરાગત સંગીત શીખ્યા ન હોવાનું જણાવતા કબ્બન મિર્ઝા ઓડિશનમાં ફક્ત લોકગીતો જ ગાઈ સંભળાવતા રહ્યા. નિરાશ થયેલા સંગીતકાર ખય્યામ સાહેબે એક ઓર નામ પર ચોકડી મારી દીધી. પણ કમાલ અમરોહીને કબ્બન મિર્ઝાના અવાજમાં એ રણકાર સંભળાયો જે એમની ફિલ્મના પાત્ર  યાકૂતની તલવારના ટંકાર સાથે મેળ ખાતો હતો. એ પણ અજબ સંયોગની વાત હતી!  પોતાના સમયથી સાત સદી પહેલાના સમયના ઐતિહાસિક પાત્ર યાકૂત અને તેના માટે ફિલ્મમાં  અવાજ આપનાર ગાયક- બન્ને એક જ સમુદાયના સભ્ય હતા. ગુલામ વંશના લોકો કે જે હબ્સ અથવા હબસી તરીકે પણ ઓળખાય છે એ  જ પ્રજાતિના લોકો આપણે ત્યાં સીદી તરીકે ઓળખાય છે. 

ત્રણ ચાર મહિના સુધી સ્વર અને તાલની તાલીમ આપ્યા બાદ આખરે કબ્બન મિર્ઝાના અવાજમાં રઝિયા સુલતાનના બે યાદગાર ગીતો રેકોર્ડ થયા. કલેજું ચીરીને ઊંડે સુધી સ્પર્શી જતા આ બંને ગીતો ગાયા પછી પણ ન જાણે કેમ, કબ્બન મિર્ઝાના ભાગ્યમાં અન્ય કોઈ ગીતો ગાવાનું લખાયું ન હતું. વગર માગ્યે અઢળક પ્રસિદ્ધિ કબ્બન મિર્ઝાની ઝોળીમાં નાખી દેનાર તકદીર ચૂપકેથી ક્રૂરતાપૂર્વક લપડાક મારવા પેંતરો ભરી રહી હતી. એક તરફ રઝિયા સુલતાનના ગીતો ચારે તરફ ગૂંજતા હતા તો બીજી તરફ કબ્બન મિર્ઝાની જિંદગીમાં ઝંઝાવાત સર્જાયો હતો. જે અવાજે શોહરતની ટોચે બેસાડ્યા હતા એ જ અવાજ ગળાના કેન્સરથી ખરાબ થઈને દગો દઈ ગયો હતો. જસલોક હોસ્પિટલમાં ચાલેલી સારવારના પગલે થોડા સમય માટે મિર્ઝાના સ્વાસ્થ્યમાં સુધારો જરૂર આવ્યો. પણ એક સમયના રેડિયોના ગોલ્ડન વોઈસ એવોર્ડ વિજેતાનો અવાજ કોઈ નોંધપાત્ર કામ કરી શકે એ શકયતા સાવ જ નોંધારી થઈ ગઈ.  ત્યારબાદ બીજીવારના ઓપરેશન બાદ આ બડકમદાર અવાજ હંમેશને માટે ખામોશ થઈ ગયો! 

જો કે જીંદાદિલ સ્વભાવના કબ્બન મિર્ઝાને એ વાતનો ક્યારેય અફસોસ ન હતો કે વધુ ગીતો ગાવાનું એમના નસીબમાં ન હતું. એઓ હંમેશા કહેતા કે અગણિત ગીતો બને છે એમાં યાદગાર બની રહે એવા ગીતો તો બહુ થોડા હોય છે. મારા ગાયેલા બેય ગીત યાદગાર છે, એ મારી ખુશનસીબી છે. જો કે અહીં એક વાત ઉમેરવી ગમશે કે રઝિયા સુલતાન એ મિર્ઝાની પ્રથમ ફિલ્મ ન હતી. વર્ષો અગાઉ જંગલ કિંગ, કેપ્ટન આઝાદ અને શીબા જેવી ફિલ્મોમાં પણ મિર્ઝાનો અવાજ સાંભળવા મળ્યો હતો. જંગલ કિંગના ગીત વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. શીબા ફિલ્મનું ગીત યુટ્યુબ પર સાંભળી શકાય છે પણ કહે છે કે એમાં પણ મિર્ઝાને નામજોગ ક્રેડિટ આપવામાં આવી ન હતી. હા, કેપ્ટન આઝાદ માટે મિર્ઝાએ ગાયેલી કવ્વાલી 'આજ ઉનકે પા એ નાઝ પર સજદા કરેંગે હમ...' એ સાઠ સિત્તેરના દશકના રેડિયોના શ્રોતાઓ માં ખાસ્સી લોકપ્રિયતા મેળવી હતી.  કમનસીબી એ વાતની છે કે એક સમયે પ્રસિદ્ધિની સર્વોત્તમ ટોચ પર બિરાજમાન એવા માધ્યમ રેડિયોના પોતાના કોઈ સંગ્રહમાં પણ કબ્બન મિર્ઝા વિશે, એમણે રજૂ કરેલા અવિસ્મરણીય રેડિયો પ્રોગ્રામ વિશે કે એમની પાછલી જિંદગી વિશે કોઈ નોંધપાત્ર માહિતી નથી. ઇન્ટરનેટ પર પણ અહીં રજૂ કરી છે એવી ઉપરછલ્લી કહેવાય એવી જ માહિતી ઉપલબ્ધ છે. 

રુહાની અવાજમાં ગાયેલા બે અમર ગીતો દ્વારા ચાહકોના દિલમાં અમર થઈ જનારા કબ્બન મિર્ઝાએ કેન્સરના પહેલીવારના હુમલામાં અવાજ ગુમાવ્યો અને થોડા વર્ષો ખામોશીમાં વિતાવ્યા બાદ તેઓ બીજીવારના હુમલામાં આ ફાની દુનિયાને અલવિદા કહીને ચાલી નીકળ્યા. ભલે આજે સ્થૂળ દેહે કબ્બન મિર્ઝા આપણી વચ્ચે હયાત નથી પણ એમના અવાજનો જાદૂ આજે પણ સાંભળનારને મંત્રમુગ્ધ કરી દે છે.